Aizawl : A memorable journey
Mumi's article in Janmabhoomi Pravisi
25th March 2018
આઇઝોલ - એક યાદગાર સફર
આ વરસે વર્ષાઋતુમાં જાણે વાદળાંની સાથે જ સફરની શરુઆત થઈ. હૈદ્રાબાદથી કલકત્તા અને કલકત્તાથી મિઝોરમમાં આવેલા તેના રાજધાનીનાનગર આઈઝોલ (Aizawl). આ વિમાની સફરમાં વાદળાંના કેટલાય અવનવા રૂપ દેખાયાં. ક્યાંક બરફના ગોળાનો - છીણેલા બરફનો ગોળો તો ક્યાંક સાબુના પાણીમાં ફીણના ગોટેગોટા થાય અને એમાં વચ્ચે થોડુંક ભૂરૂં પાણી દેખાય તેમ ફીણ જેવા વાદળાંઓની વચ્ચે ક્યાંક ક્યાંક ભૂરૂં આકાશ ડોકાઈ રહ્યું હતું તો ક્યાંક કાળા કાળા વાદળા ધૂમાડાના ગોટેગોટા જતા હોય એવા વાદળાં દેખાતા હતા. કલકત્તાથી આઈઝોલનું વાતવરણ ખુશનુમા હતું. આકાશમાં વાદળા ધોળાધોળા રૂ ના ઢગલા જેવા દેખાતા હતા. આઈઝોલ ઊતર્યા ત્યારે હવામાન પલટાઈ ગયું હતું. રીમઝીમ મેઘ સ્વાગત માટે તૈયાર.
આઈઝોલ પહાડ ઉપર, પહાડોની વચ્ચે વસેલું શહેર છે. એરપોર્ટથી શહેરનું અંતર લગભગ ૩૦ કી.મી. છે. ટુરિસ્ટ લોજ પહોંચવા ટેક્ષીની સફર શરુ થઈ. એક તરફ ઊંચા ઊંચા પહાડ તો બીજી તરફ લીલોતરીથી છવાએલી ખીણ, ઊંચા-નીચા સર્પાકાર વળાંકવાળો રસ્તો. પહાડ પરથી પાણીના નાના-મોટા ઝરણા વ્હેતાં હતાં. ક્યાંક ક્યાંક પહાડની માટી પણ સાથે વ્હેતી હતી તો પાણીનો રંગ પીળો કત્થાઈ દેખાતો. બીજી તરફ બામ્બુના ટેકા પર બનેલાં વાંસના નાના-નાના ઘર હતાં જ્યાં ચા-પાણી-પાન સોપારી જેવી વસ્તુઓ વેંચાતી હતી.
અચાનક જ ટેક્ષીની ગતિ ધીમી થઈ ગઈ ને આગળ ગાડીઓની લાંબી કતાર દેખાઈ. રસ્તામાં એક તરફ પહાડની માટી ધસી આવી હતી જેથી રસ્તો બંધ હતો. જે.સી.બી. ની મદદથી માટી ખસેડવાનુ કામ ચાલુ હતું. આપણે તો વાટ જોવાની હતી. લગભગ એક કલાકની કામગીરી પછી ગાડીઓમાં ગતિ આવી અને લગભગ પોણા ચાર વાગે ટુરીસ્ટલોજ પહોંચ્યા.
ટુરીસ્ટલૉજ શહેરમાં ઊંચાઈએ અને ખુલ્લી જગ્યામાં આવેલું સુંદર રહેઠાણ. ચાર માળનું વિશાળ મકાન. આરામદાયક સગવડ ભર્યા રૂમ. કૉરીડોરની વાત કરું તો ઉપરને માળે પણ નાનકડી નેનો ગાડી આરામથી ફેરવી શકાય. ચારે તરફ ડુંગરા ને હવાની ઠંડી-ઠંડી લ્હેરોએ મારું મન મોહી લીધું. વાદળા ને વરસાદને લીધે જો ઘડિયાળમાં સમય ન જોઇએ તો ખબર જ ન પડે કે સાંજના ચાર વાગ્યા છે.
આસપાસનું વાતવરણ જોતાં-માણતાં સાંજ તો જરા વારમાં વીતી ગઈ. ટુરીસ્ટલૉજમાં રાતના રોટલી-દાળ-શાક-સલાડ-પાપડ જમ્યા. થોડી વાર કૉરીડોરમાં આંટા માર્યા. રાત્રિના અંધકારમાં દૂરદૂર સર્પાકાર રસ્તે પહાડી ઠંડકમાં એ રજાઈ ખૂબ મીઠી લાગી.
વ્હેલી સવારે પોણા પાંચની આસપાસ આંખ ખુલી તો અજવાળું થઈ ગયું હતું. સરસ ઠંડક હતી. મીઠી સવારની મઝા માણતાં-માણતાં કલાક ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. નવું શહેર જોવા-જાણવાની તાલાવેલી તો હોય જ ગરમ ગરમ પુરી શાકનો નાસ્તો કરી શહેર જોવા નીકળી પડ્યા. પહાડોમાં વસેલું આ ખૂબ જ મોટું અને ગીચ શહેર છે. રસ્તા ગોળાકર, સાંકડા, ચઢાણવાળા, પણ શક્ય હોય ત્યાં ચાલવા માટે ફૂટપાથ પણ છે. ટ્રાફિક-પાર્કિંગની વ્યવસ્થા – સમજ સારા સારા છે. રસ્તે ચાલતા-ચાલતા થોડે-થોડે અંતરે દાદરા જોવા મળે. ઊંચા-નીચા પથરાળ દાદરા ક્યાંક ઉપર તરફ જતાં તો ક્યાંક નીચે તરફ જતાં. રોજીંદી અવર-જવર ત્યાંથી જ થતી હોય. ઘણા મકાનમાં ઉપરના માળનો દરવાજો એક રસ્તે પડતો હોય અને નીચેના માળનો દરવાજો નીચે બીજા રસ્તે પડતો હોય. ઘણી જગ્યાએ આવે સીડી શોર્ટકટનું કામ કરે તો ક્યાંક ક્યાંક ઢાળ ચડો કે – પગથિયા, તેનો વિકલ્પ પણ મળે.
શહેરમાં ફરતાં-ફરતાં જોયું કે અહીં નાના-મોટા દરેક કામમાંમહિલાઓ વધુ જોવા મળે. નાની-મોટી કાપડની દુકાન હોય કે જનરલ સ્ટોર હોય, બેકરી હોય, પાન-સોપારીનો ગલ્લો હોય કે પછી રસ્તે બેસીને ફળ-શાક વેચતી હોય. એક જાણીતી રેસ્ટોરંટમાં જમવા ગયા તો ત્યાં પણ ઓર્ડર લઈને સર્વ કરનારી બહેનો જ વધારે હતી.
બધા શહેરોની જેમ અહીં પણ બ્રાંડેડ અને નાની-મોટી દુકાનોથી બજારો ઉભરાય છે. નાની-મોટી બેકરી પણ ઘણી છે. નાની-નાની ખાણી-પીણીની દુકાનો પણ જોવા મળે જેમાં વ્હેલી સવારે પુરી-ચણા ચા મળે, દિવસે સમોસા-જલેબી-બુંદી પણ મળે, ઘણી દુકાનોમાં કોફીના મશીન મૂકેલા હતાં. એક બજારમાં તો બધો માલ ઢગલામાં જ વેંચાતો હતો. જેમાં રેડીમેડ કપડાં, નાના-મોટા થેલા, પર્સ, પરદા જેવી બધી વસ્તુઓ હતી.
શનિવારે વ્હેલી સવારે શહેરના દરેક વિસ્તારમાં બજાર ભરાય જેમાં આસ-પાસના ગામડેથી આવીને લોકો અનાજ, શાક, ફળ તથા જરૂરિયાતની વસ્તુ વેંચતા હોય. શાકની વાત કરું તો અહીં લીંબુ, રીંગણા, દુધી મોટા-મોટા હતાં. કેળા નાના હતા. બધુ ઢગલામાં વેંચાય ૧૦ રૂ., ૨૦ રૂ., ૫૦ રૂ. એવી રીતે. શાક વેંચનારા જોડે રસ કાઢવાનો સંચો હોય. લીંબુનો રસ કાઢીને બોટલમાં વેચાય.
ટુરીસ્ટ લોજની બહાર થોડે દૂર એક સ્ત્રી રોજ શાક-ફળ વેચવા બેસતી, દેશી મકાઈ શેકતી હોય, અનનાસ કાપીને તૈયાર કરતી હોય. અમેઆઇઝોલ રહ્યાં એટલાં દિવસ તેની પાસેથી રોજ ૩૦ રૂપિયાના અનનાસલેતી. એ રસ ભર્યો મીઠો સ્વાદ હજી મોઢામાં છે. ‘પેશન’ નામનું નવું ફળ જોયું. દેખાવમાં નાના દાડમ જેવુ લાગે. બહારથી થોડું થોડું અને અંદરથી ખાવામાં સંતરા જેવું સરસ હતું.
રવિવાર તો જાણે અહીંના લોકો જ માણે છે. બધું જ બંધ, એટલે કે.એફ.સી જેવા રેસ્ટોરંટ પણ બંધ, મિલેન્યમ સેંટર જેવા મૉલના દરવાજે પણ તાળા હોય ને રસ્તે કે ઓટલે બેસીને શાક ને ફળ વેચનારા પણ ન જોવા મળે. રવિવાર એટલે સરસ તૈયાર થઈને ચર્ચ જવાનું. પુરુષો સુટમાં અને સ્ત્રીઓ રંગબેરંગી સુંદર ભાતની લુંગી ને શર્ટમાં જોવા મળે. નાના-મોટા બાળકો પણ હાથમાં બાઇબલ સાથે ચર્ચ જતાં જોવા મળે. અહીં પ્રેસ્બીટેરિયન ચર્ચનું ચલણ છે. ખૂબ જ મોટા સુઘડ અને સરસ ચર્ચ શહેરના જુદા-જુદા વિસ્તારમાં જોવા મળ્યા.
શહેરની વચ્ચે જ મ્યુઝિયમ આવેલું છે જેમાં વરસો જુના મિઝોરમની સરસ ઝાંખી જોવા મળે છે. લોકોના પોષાક, વાસણ, વાંસના સાધનો, શિકાર માટેના નાના-મોટા હથિયાર જોયા. દરેક જુદી-જુદી જાતિ અને વર્ગના જુદા-જુદા રંગ અને વણાટના વસ્ત્રોના નમૂના બહુ જ સુંદર રીતે દેખાડેલા છે. હાથ વણાટનું કામ જોઇને દંગ રહી જવાય. તેવી જ રીતે મિઝોરમના વન્ય પશુ-પક્ષીના ફોટા તો છે જ. સાથે મૃત પશુ-પક્ષી સચવાએલા પણ જોવા મળે છે.
અહીં વણાટના કાપડની દુકાનો પણ ખુબ જોવા મળી. લુંગી જે અહીંનો મુખ્ય પહેરવેશ છે તે દુકાનોમાં ૧૫૦ રૂપિયાથી ૧૫૦૦૦ સુધી જોવા મળે. લુંગીની જેમ જ શાલ પણ સરસ હોય, આવી શાલને ગાંઠ મારી, તેની ઝોળી બનાવી તેમાં નાના બાળકને પીઠ પર ઊંચકીને સ્ત્રીઓ આરામથી રસ્તે જતી હોય, પોતાના કામ કરતી હોય. આપણે ખભા અને હાથને સહારે બાળકને ઊંચકીએ, તેડીને ફરીએ પણ અહીં તો માની પીઠ પર ઝોળીમાં બાળક આરામથી ઉંઘતું હોય અથવા ટગર ટગર દુનિયા જોતું હોય. વણાટ કાપડની દુકાનોમાં મોટે ભાગે સ્ત્રીઓ જ હતી. આ કાપડમાંથી નાના-મોટા પર્સ, થેલા, મોબાઈલ કવર, જાકિટ વિગેરે પણ બનાવે છે. ખૂબ જ સુંદર પર્સ ને થેલા મેં પણ લીધા.
અહીં પ્રાણીબાગ, એક મિઝો વ્યક્તિએ પોતાની પત્નીની યાદમાં બંધાવેલ તાજમહેલ વગેરે જોવાના સ્થળ છે. પચાસેક કિલોમીટર દૂર આવેલમુઇફાંગ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે.ત્યાં પહાડ અને ખીણ બંને તરફલીલોતરી છવાએલી હતી. ક્યાંક મોટા મોટા લીલા લીલા પાંદડાઓ વચ્ચેથી મોહક ગુલાબી ફૂલ ડોકિયા કરતાં હતાં તો ક્યાંક નાના નાના ફૂલ પાંદડાઓ પર છવાઈ જતાં હતાં. કુદરતની એ કરામતનું વર્ણન કાગળ પર આ કલમથી તો શક્ય નથી.
રસ્તે એક તરફ નાના નાના ગામ આવે ત્યાં વાંસના ઘર દેખાય ત્યાં મોટા-મોટા સુવર પણ દેખાય, બાંબુ ઉપર ઘર બનેલા હોય ને નીચે સુવરને રહેવાની વ્યવસ્થા હોય. લગભગ દોઢ કલાકે અમે મૂઇફાંગ પહોંચ્યા. સૂરજદાદા તો છુપાએલા હતા. વાદળોની વચ્ચે જ અમે ઊભા હતા – ચાલતા હતા. પવન તો જાણે પોતાની સાથે જ આપણને લઇ જવાનો હોય એવો વેગીલો વાતો’તો. પહાડી પર વરસાદ અને વાયરા સાથે કેટલો સમય વીત્યો? ખબર જ ન પડી. ઠંડક પણ સરસ હતી. તજ-લવિંગના મસાલાવાળી ગરમાગરમ ચા પીધી ને ‘પેશન’ ફળના જ્યુસની બે બોટલ લીધી. પાછા વળવાનું મન તો નહોતું પણ પાછા વળવું તો પડે જ!
અજાણ્યું શહેર ને અજાણી ભાષા હતી પણ પ્રકૃતિની ગોદમાં વસેલું આ શહેર મારા મનમાં વસી ગયું. ઊંચા-નીચા ચઢાણવાળા રસ્તે હરતાં ફરતાં ને વાદળોની સાથે લુકાછુપી રમતા રમતા 10 દિવસ ક્યાં વીતી ગયા ખબર જ ન પડી. પાછા ફરવાનો દિવસ આવ્યો, ઍરપોર્ટ પહોંચવા ટેક્ષી બુક કરાવી હતી. બીજા પણ યાત્રી હતા. સવારે બધા ટેક્ષીવાળા વહેલા આવ્યા કારણકે ઍરપોર્ટ જતી સડક પર આગલી સાંજે અકસ્માત થએલો એટલે રસ્તો બંધ હતો. બીજે લાંબે રસ્તે જવાનું હતું જે વિકટ પણ હતો, કાચી સડક, ચીકણી માટી અને ઢોળાણ તો હોય જ. મને સમજાયું નહીં કે આ રસ્તો પાકો શું કામ નથી બનતો? જરૂરિયાત અને વપરાશ તો છે જ! છતાં પણ વર્ષોથી આમ જ ચાલે છે.
હા, અહીંના ટેક્ષીચાલકોને સલામ કરવી પડે. આવા વિકટ રસ્તામાં વાહન ચલાવવા માટે, શહેરને સ્વચ્છતા જાળવવા માટે લોકોને પણ સલામ. મારા ત્યાંના વસવાટ દરમ્યાન જ છાપામાં વાંચ્યું કે આખા ભારતમાં મૈસુર શહેર સ્વચ્છતામાં પ્રથમ હતું તો આ પહાડી શહેર પણ પાંચમા ક્રમાંકે હતું.
Previous piece by mumi on Mizoram here.
My blog during days in Mizoram here.
Thanks are due to Janmabhoomi Pravasi and Vikas Ghanyam Nayak.
This piece on the Newspaper's website here.
This piece on the Newspaper's website here.
Comments
Post a Comment