Aizawl : A memorable journey
Mumi's article in Janmabhoomi Pravisi 25th March 2018 આઇઝોલ - એક યાદગાર સફર આ વરસે વર્ષાઋતુમાં જાણે વાદળાંની સાથે જ સફરની શરુઆત થઈ. હૈદ્રાબાદથી કલકત્તા અને કલકત્તાથી મિઝોરમમાં આવેલા તેના રાજધાનીના નગર આઈઝોલ (Aizawl) . આ વિમાની સફરમાં વાદળાંના કેટલાય અવનવા રૂપ દેખાયાં. ક્યાંક બરફના ગોળાનો - છીણેલા બરફનો ગોળો તો ક્યાંક સાબુના પાણીમાં ફીણના ગોટેગોટા થાય અને એમાં વચ્ચે થોડુંક ભૂરૂં પાણી દેખાય તેમ ફીણ જેવા વાદળાંઓની વચ્ચે ક્યાંક ક્યાંક ભૂરૂં આકાશ ડોકાઈ રહ્યું હતું તો ક્યાંક કાળા કાળા વાદળા ધૂમાડાના ગોટેગોટા જતા હોય એવા વાદળાં દેખાતા હતા. કલકત્તાથી આઈઝોલનું વાતવરણ ખુશનુમા હતું. આકાશમાં વાદળા ધોળાધોળા રૂ ના ઢગલા જેવા દેખાતા હતા. આઈઝોલ ઊતર્યા ત્યારે હવામાન પલટાઈ ગયું હતું. રીમઝીમ મેઘ સ્વાગત માટે તૈયાર. આઈઝોલ પહાડ ઉપર , પહાડોની વચ્ચે વસેલું શહેર છે. એરપોર્ટથી શહેરનું અંતર લગભગ ૩૦ કી.મી. છે. ટુરિસ્ટ લોજ પહોંચવા ટેક્ષીની સફર શરુ થઈ. એક તરફ ઊંચા ઊંચા પહાડ તો બીજી તરફ લીલોતરીથી છવાએલી ખીણ, ઊંચા-નીચા સર...